આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

      આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

            આઝાદીના જંગનો આદિવાસી રંગ

                 ભારતીય સ્વતંત્રતા આંદોલન વિશ્વના આઝાદીના ઈતિહાસોમાં અજોડ સ્થાન ધરાવે છે .આપણો આઝાદીનો જંગ ૧૮૫૭ થી શરુ થયો અને ૧૯૪૭મા સંપન્ન થયો .ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ ૯૦ વર્ષની યાત્રા વિવિધરંગી રહી છે .સત્તાવનના સંગ્રામકારીઓ કરો ય મરોની ભાવનાથી અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા તો  થોભો અને રાહ જુઓની નીતિવાળો  મવાળવાદ ,વિચારોમાં ઉગ્રતા લાવવાના ખ્યાલવાળો જહાલવાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવેની ગતિવિધિઓવાળી  ક્રાંતિકારી વિચારધારા પણ ભારતીય આઝાદીપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુકામો રહ્યા છે .

              ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એ ભારતીય જનતાની સહિયારી અસ્ક્યામત છે .તેમાં કોઈ એક વર્ગ વિશેષ કે માત્ર નગરો - શહેરો પોતાનો હક દાવો કરી શકે તેમ નથી .શહેરો થી લઇ ગામડાઓ અને ભદ્ર વર્ગોથી લઇ દલિત - પીડિતોએ રાષ્ટ્રની આઝાદી કાજે પોતાની યથાશક્તિ આહુતિ આપી હતી એમાંનો એક મહત્વનો વર્ગ ભારતનો આદિવાસી સમાજ હતો .ભારતીય સ્વતત્રતા સંગ્રામ દેખીતી રીતે ભલે ૧૮૫૭મા શરુ થયો હોય પણ આદિવાસીઓના સ્વરાજ્યપ્રાપ્તિના પ્રયાસો તો એ પહેલાથી શરુ થયા હતા .

             અંગ્રેજોનો હિન્દુસ્તાન વિજય સૌથી છેલ્લે આદિવાસીઓ વિસ્તારોમાં પૂરો થયો હતો .મુડીવાદી અંગ્રેજ રીતરસમો અને જળ ,જમીન અને જંગલ જેવી પ્રાકૃતિક સમ્પદાઓ પર અધિકારની બ્રિટીશ નીતિઓનો સૌથી જડબેસલાક વિરોધ તો ભારતના આદિવાસીઓએ જ કર્યો હતો .બિરસા મુંડા(ઝારખંડ ) ,તાના ભગત (મધ્યભારત ),સિદ્ધો અને કાન્હો (ઓરિસ્સા),દેવીસિંહ સીલ્પત( ડાંગ ) ,જોરિયા પરમેશ્વર ,રૂપસિંહ નાયક(પંચમહાલ ) અને પુંજા ધીરજી પારગી(સંતરામપુર ) જેવા અનેક આદિવાસી વિરલાઓએ રાષ્ટ્રની આઝાદીના કાજે પોતાના પ્રાણના બલિદાનો આપ્યા હતા .આ બધાની માંડીને વાત કરવી એટલે માનો કે અનેક  પુસ્તકો લખવા બરાબર છે .તેથી અત્રે ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વે દેશની આઝાદીના જંગમાં ગુજરાતનો આદિવાસી રંગ પ્રકટાવવાનો ઉપક્રમ છે .

          બ્રિટીશ વિદુષી કેથેરીન ગફે લખ્યું છે કે ભારતમાં અંગ્રેજોનો સૌથી વધુ વિરોધ કિસાનો અને આદિવાસીઓએ કર્યો હતો તેમાય આદિવાસીઓના વિરોધ તો અત્યંત હિંસક પ્રકારના હતા .અલબત્ત આદિવાસીઓના હિંસક વિદ્રોહો એ અંતિમ ઉપાય તરીકે અને સહનશક્તિનો અંત આવ્યો ત્યારે જ થયા હતા .કારણકે આ દેશમાં અંગેજો આવ્યા તે પહેલા સદીઓથી આદિવાસીઓ સહઅસ્તિત્વની ભાવનાથી જીવતા હતા .બ્રિટીશ સત્તા પહેલા આદિવાસીઓના પરમ્પરાગત વ્યવસ્થાતંત્રમાં અહીની દેશી રિયાસતોએ ચંચુપાત કરવાનો લેશમાત્ર પ્રયાસ કર્યો ન હતો .આદિવાસીઓના કાયદો અને વ્યવસ્થા ,તેમની પરમ્પરાગત જીવન પદ્ધતિને દેશી રજવાડાઓ દ્રારા મુક બહાલી જેવી સ્થિતિ હતી .પણ અંગ્રેજ અમલ પછી બહુ બધું બદલાયું .છેવાડાની પ્રજાને પણ કાયદો અને વ્યવસ્થાની આણમાં લાવવા માટેની કવાયત શરુ થઇ ,નવા નવા કાયદાઓ અને પાબંધીઓ આદિવાસીઓ પર ઠોકી બેસાડવામાં આવ્યા .પણ પ્રકૃતિના ખોળે  કુદરતી જીવન જીવવા ટેવાયેલા આદિવાસીઓ આવા નિયંત્રણોને શેના ગાંઠે ? પરિણામે શરુ થઇ શુખંલાબદ્ધ વિદ્રોહોની પરમ્પરા.

              ગુજરાતમાં ૧૮૧૮ના વર્ષે બ્રિટીશ સત્તાની સ્થાપના થઇ પણ આદિવાસી વિસ્તારોમાં તો તેમની સત્તા છેક ૧૮૬૧મા પંચમહાલ જીત્યા પછી સ્થપાઈ હતી .આ પહેલા અંગ્રેજ સત્તા અને આદિવાસીઓ વચ્ચે જબરદસ્ત મુકાબલો રહ્યો  હતો .તેની શરૂઆત પંચમહાલના ભીલ અને નાયક આદિવાસીઓએ કરી હતી .રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરના નેતૃત્વમાં નાયક આદિવાસીઓ દાયકાઓ સુધી અંગ્રેજો વિરુદ્ધ ઝઝુમતા રહ્યા .સત્તાવનના સંગ્રામ વખતે તો તેઓએ ઝાલોદથી લઇ જામ્બુઘોડા સુધીના પટ્ટામાં બ્રિટીશ સૈન્યને ત્રાહિમામ પોકરાવી દીધી હતી .ખુદ અંગ્રેજો એ તેમના દસ્તાવેજોમાં નોંધ્યું છે કે ભીલ અને નાયકોના બળવા વખતે પંચમહાલમાં અમારી સત્તા ન હતી .તો જોરિયા પરમેશ્વર નામના નાયક નેતાએ તો પોતાના નામથી "જોરિયા સરકાર"ની સ્થાપના કરી હતી .૧૮૬૮ના વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં થયેલા જોરિયા નાયકના  આંન્દોલનની ગંભીરતાની નોંધ સરકારી દસ્તાવેજો ઉપરાંત ઇંગ્લેન્ડથી પ્રકાશિત થતા " કોર્નહિલ " નામના સામયિકમાં પણ લેવામાં આવી હતી .આ આંદોલન દરમિયાન ૨૦ થી વધુ નાયક આદિવાસીઓએ શહીદી વહોરી હતી તો કાનૂની કાર્યવાહીમાં ૫ દૂધમલ યુવાનોને ફાંસીના માંચડે લટકાવી તેમના વિદ્રોહને જ નહિ નાયક કોમ માત્રને કાળની ગર્તામાં ધરબી દેવામાં આવી .  ઇતિહાસનો આટલો મોટો ઘટનાક્રમ હોવા છતાં આપણા ઇતિહાસમાં તેની વિશેષ નોંધ દેખાતી નથી .શહીદ જોરીયો જાણે કે આપણને કહી રહ્યો છે :

" સુની પડી કબર પર દિયા જલાકે જાના ,

ખુશીઓ પર અપની હમ પે ઝંડા લહરા  કે જાના ,

બહતે હુયે રુધિર મૈ દામન ભીગો કે જાના ,

દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના "

        આવી જ બીજી અજાણી પણ મહત્વપૂર્ણ ઘટના ભરૂચના તલાવીયા આદિવાસીઓ સાથે સંકળાયેલી છે ."અંગ્રેજ કલેકટરને મારી નાંખીએ તો આપણું રાજ આવી જાય "તેવી સમજ સાથે લખા ભગત નામના નેતાના નેતૃત્વમાં તેઓએ ભરૂચમાં બળવો કર્યો તેમનો વિદ્રોહ લક્ષ્યપ્રાપ્તિમાં નિષ્ફળ રહ્યો અને પ્રતિક્રિયા રૂપે ૧૮૮૫ના વર્ષે  પાંચ તલાવીયા નેતાઓને ફાંસી આપી તેમના અસતોષને ધરબી દેવામાં આવ્યો હતો .

         ૨૦મા સૈકાના પ્રારંભે ગોવિંદગુરુ નામના વણઝારા જ્ઞાતિના નેતાના નેતૃત્વમાં પંચમહાલ અને દક્ષિણ  રાજસ્થાનના આદિવાસીઓએ અંગ્રેજો અને રજવાડાઓ સામે રણશિંગું ફૂંક્યું .મૂળ તો ભગત આન્દોલનની સામાજિક અને ધાર્મિક પ્રવુતિઓમાં વિક્ષેપ અને આદિવાસીઓના કુદરતી અધિકારો મેળવવાની ધગસમાંથી આંદોલન ઉભું થયું હતું .ભીલોના બળવાને કચડી નાંખવા ૧૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ માનગઢ હત્યાકાંડ સર્જાયો જેમાં પોતાના સ્વાભિમાન અને સ્વતંત્રતાની રક્ષા કરતા સેંકડો ભીલોએ આહુતિ આપી હતી ,આજે આ ઘટના જલીયાંવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટી ઘટના તરીકે પ્રસ્થાપિત થઇ રહી છે .આવો જ હત્યાકાંડ બ્રીટીશરોએ ૭ માર્ચ ૧૯૨૨ના દિવસે સાબરકાંઠા જીલ્લાના પાલ ચિતરીયા - દ્રઢવાવ ખાતે સર્જ્યો હતો તેમાં પણ સેંકડો આદિવાસીઓએ શહીદી વહોરી હતી.આદિવાસીઓના મહાન બલિદાન અને સમર્પણની આ બંને કરુણ દાસ્તાનો  મુખ્ય ધારાના ઇતિહાસમાં સ્થાન પામવા મથી રહી છે .

           ૧૯૨૦ ના વર્ષથી ભારતમાં ગાંધીયુગના મંડાણ થાય છે .તે દરમિયાન રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓની ભૂમિકા થોડી બદલાય છે .૧૯૨૨મા બારડોલીમાં નાકર (no tax ) આંદોલન દરમિયાન ગાંધીજીને ખબર પડી કે અહીના આદિવાસીઓની તો વસ્તી કે પ્રજા તરીકે ગણતરી જ થતી નથી તેમની સાથે અંગ્રેજો તો ખરા જ પણ સ્થાનિક લોકો પણ ઓરમાયું વર્તન રાખે છે ત્યારે તેમણે ઈશ્વરનો આભાર માનતા કહ્યું કે  " બારડોલીના ૫૦ હજાર જેટલા આદિવાસીઓની મદદ વગર હું સ્વરાજ્યનો યજ્ઞ શરુ કરવા જાઉં તો લકવાથી ગ્રસ્ત મારા હાથને ઉપાડવા જવા જેવો નિરર્થક  પરિશ્રમ થવાનો હતો ." મહાત્મા ગાંધીના મંથનમાંથી શરુ થઇ આદિવાસીઓમાં રચનાત્મક પ્રવુતિઓ અર્થાત સ્વરાજ્યની સાથે  સુરાજ્ય સ્થાપવાની કવાયત ! સમગ્ર આદિવાસી પટ્ટામાં ઠેર ઠેર આશ્રમશાળાઓ સ્થપાઈ ,ખાદી ,મદ્યપાનનિષેધ તથા આર્થિક શોષણની નાબુદી અને સામાજિક ન્યાય માટેની અનેક પ્રવુતિઓ શરુ થઇ . ભીલ સેવા મંડળ ( દાહોદ -૧૯૨૨ )અને સ્વરાજ્ય આશ્રમ (વેડછી )જેવી મહાન સંસ્થાઓ રચાઈ .ગાંધીવાદી રચનાત્મક કાર્યક્રમોની નિશ્રામાં સેંકડોની સંખ્યામાં સ્વતંત્રતા સૈનિકો તૈયાર થયા તેઓએ બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮ ) ,સવિનય કાનુનભંગ (૧૯૩૦-૩૨ ),હિન્દ છોડો આંદોલન (૧૯૪૨)અને બીજી નાની મોટી લડતોમાં

" નથી કઈ પરવા દફન કે દહન ની ,

                         નથી કઈ પરવા કબર કે  કફનની ,                                                        

નથી કઈ પરવા બદનના જતનની ,

                       બસ મને એક પરવા છે મારા વતનની "  ઉમદા ભાવનાથી પોતાનું કૌવત ઝળકાવ્યું હતું .અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના માત્ર વેડછી ગામમાંથી ૪૦ જેટલા સ્વતંત્રતા સૈનિકો પેદા થયા હતા .કોઈ એક ગામમાં આટલા સ્વતંત્રતા સૈનિકો પાક્યા હોય તેવું  ગુજરાતમાં તો બીજે ક્યાય જણાતું નથી .

       ટૂંકમાં રાષ્ટ્રના આઝાદીના જંગનો આદિવાસી રંગ  વૈચારિક અને કાર્યપદ્ધતિના સંદર્ભમાં મેઘધનુષી રહ્યો હતો . ૧૯૪૭મા આપણને આઝાદી તો મળી ગઈ પણ આદિવાસીઓનો સ્વતંત્રતા સંગ્રામનો વિચાર વારસો(legacy) ટૂંકજીવી  કે તે પુરતો સિમિત નથી રહ્યો .સ્વરાજ્યયુગની વિચારપીઠીકા પર આજે પણ ગુજરાતનો આદિવાસી સમાજ અડીખમ  ઉભો છે .

Credit: પ્રોફેસર અરુણ વાઘેલા

અધ્યક્ષ ,ઈતિહાસ વિભાગ ,

ગુજરાત યુનિવર્સીટી ,અમદાવાદ


Comments